Sunday, March 2, 2014

મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્ય

આપણા દેશમાં એક મહાન ગણિતજ્ઞ થઇ ગયા. એમણે જે શોધો કરી છે તે ખરેખર મહાન છે. આ ગણિતજ્ઞનું નામ ભાસ્કરાચાર્ય. એમનો જન્મ ઇ.સ. ૧૧૧૪માં મહારાષ્ટ્રના જલગાંવ પાસેના નાનકડા ગામમાં થયો હતો. ભાસ્કરાચાર્ય ભારતીય ગણિતરત્ન હતા. એમણે રચેલા ગ્રંથનું નામ છે. ‘સિદ્ધાંત શિરોમણિ’. આ ગ્રંથમાં ગ્રહોની સ્થિતિ તેમજ સૂર્ય અને ચંદ્રગ્રહણની સમય ગણતરી કરવાની થિયરીનો સમાવેશ થયેલો છે. ખગોળશાસ્ત્રમાં ઉપયોગી થાય એવા સાધનોની ટેક્નિકલ માહિતીનો પણ આ ગ્રંથમાં ઉલ્લેખ છે. આ ગ્રંથમાં ચાર ખંડ છે. 

પહેલા ખંડને ભાસ્કરાચાર્ય ‘લીલાવતી’ કહે છે. લીલાવતી એમની પુત્રી હતી. એના ઉપરથી આ નામ રાખ્યું હતું. આ ગ્રંથમાં ૨૭૮ પદ્ય છે. ‘લીલાવતી’ની શરૂઆતમાં વિવિધ પરિણામોના કેટલાક કોઠાઓ આપવામાં આવ્યા છે. ઉપરાંત પરાર્ધ સુધીની સંખ્યાઓના નામ આપવામાં આવ્યા છે. પૂણાઁકોનો યોગ, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ વગેરે છે. જુદા જુદા પ્રકારનાં ક્ષેત્રફળો, ઘનફળ વગેરે વિષયો તેમજ ગણિત સંબંધી વાતો પણ છે.

ભાસ્કરાચાર્ય ગણિતશાસ્ત્રી અને જ્યોતિષી તો હતા જ. ઉપરાંત ઉચ્ચ કોટિના કવિ પણ હતા. એમની કવિતાઓમાં ઋતુના વર્ણનમાં ચમક અને શ્લેષની સુંદર બહાર જોવા મળે છે.ભાસ્કરાચાર્યનો બીજો ગ્રંથ છે ‘કરણ કુતૂહલ’. આ ગ્રંથ જ્યોતિષને લગતો છે. ૬૯ વર્ષની ઉંમરે ભાસ્કરાચાર્યે આ ગ્રંથની રચના કરી હતી. આથી એમ કહી શકાય કે ઘડપણમાં પણ તેઓ ઉત્સાહી અને બુદ્ધિશક્તિવાળા હતા. આ ગ્રંથની રચના ઇ.સ.૧૧૮૩માં કરવામાં આવી હતી. આવા હતા આપણા મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્ય!

No comments:

Post a Comment