Tuesday, April 14, 2020

લોહચુંબક કેવી રીતે બને છે ? તેના જુદા જુદા ઉપયોગ અને આકાર

    લોખંડની વસ્તુઓને આકર્ષીને પોતાની તરફ ખેંચતા લોહચુંબક કે મેગ્નેટ એ લોખંડનો ટુકડો જ છે પરંતુ તેમાં ચુંબકીય શક્તિ હોય છે. આ શક્તિ કેવી રીતે આવે છે તે જાણો છો? વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે તેની આસપાસ વિદ્યુત ક્ષેત્ર રચાય છે.

   આ ક્ષેત્રમાં લોખંડનો ટુકડો મુકવામાં આવે તો લોખંડના અણુઓ ચોક્કસ દિશામાં ગોઠવાઈ જાય છે અને તે ચુંબક બની જાય છે. ચુંબક બે રીતે બને છે અને બે પ્રકારના હોય છે. લોખંડની આસપાસ ધાતુના તારનું ગુંચળું વીંટાળી તેમાં વીજળી દાખલ કરવાથી તે કામચલાઉ ચુંબક બને એટલે કે વીજપ્રવાહ હોય ત્યાં સુધી તે ચુંબકનો ગુણ રહે છે.

   મોટા ચુંબકને બીજા લોખંડ સાથે એક જ દિશામાં ઘસવાથી લોખંડનો ટુકડો ચુંબક બને છે અને તે કાયમી ગુણ ધરાવે છે. ચુંબકના ટુકડાનો એક છેડો દક્ષિણ અને બીજો ઉત્તર ધ્રુવ કહેવાય છે. ચુંબકના આ ગુણનો ઉપયોગ ઘણા ઈલેક્ટ્રોનિક સાધનોમાં થાય છે. દિશા બતાવતાં હોકાયંત્ર, ડોરબેલ, સ્પીકર, ઈલેક્ટ્રીક મોટર, જનરેટર, ડાયનેમો વગેરે સાધનોમાં ચુંબક મુખ્ય ભાગ છે.       
   મેગ્નેટ એટલે કે લોહચૂંબકનો મુખ્ય ગુણ લોખંડની ચીજોને આકર્ષવાનો છે. તેને સ્વતંત્ર રીતે ફરે તેવી રીતે રાખવાથી તેનો એક છેડો દક્ષિણ અને બીજો ઉત્તર દિશામાં રહે છે. ઈલેક્ટ્રોનિક સાધનોમાં મેગ્નેટનો વ્યાપક ઉપયોગ થાય છે. જુદા જુદા હેતુ માટે વિવિધ આકારના મેગ્નેટ વપરાય છે. 
બાર મેગ્નેટ: લાંબી પટ્ટી આકારના બાર મેગ્નેટની ક્ષમતા ઓછી હોય છે. આ મેગ્નેટ દિશાસૂચન માટે હોકાયંત્રમાં વપરાય છે. ફ્રિઝના બારણા વગેરે સાધનોમાં બે સપાટીને જકડી રાખવા પણ ઉપયોગી છે.
હોર્સ શૂ મેગ્નેટ: ઘોડાની નાળ આકારના આ મેગ્નેટ અર્ધગોળાકાર પટ્ટી જેવા હોય છે. તેના બંને છેડા એક જ દિશામાં હોય છે. આ મેગ્નેટ શક્તિશાળી હોય છે. કચરામાંથી લોખંડની ચીજો અથવા લોખંડની વજનદાર વસ્તુ ઉંચકવા તેનો ઉપયોગ થાય છે.
કોઈલ મેગ્નેટ: કોઈલ કે વલયાકારના આ મેગ્નેટને હેલિકલ કોઈલ કે ઈલેક્ટ્રો મેગ્નેટ કહે છે. તે કાયમી નથી પણ ઈલેક્ટ્રિક વડે પ્રવાહ મળે ત્યારે સક્રિય થાય છે. સીડી પ્લેયર, કમ્પ્યુટરની હાર્ડડિસ્ક, ઓટોમેટિક બારણા વગેરેમાં આ મેગ્નેટ વપરાય છે.

No comments:

Post a Comment