Thursday, February 27, 2014

વાહનોના ટાયર વિશે આ જાણો છો ?

આપણા દરેક વાહનોમાં રસ્તાના ખાડાટેકરાના આંચકા ઓછા કરવા પૈડાં પર ટાયર જરૃરી છે. ટાયર એ વાહનનો જરૃરી ભાગ છે. સ્થિતિસ્થાપક રબરનાં બનેલાં ટાયર જમીન અને પૈડાં વચ્ચેનો મુખ્ય સેતુ છે. ટાયર ઉપર સમગ્ર વાહનનું વજન, ઘસારો, રસ્તા પરના ખાડાટેકરા, કાર, ખીલી કે કાંટા જેવા પદાર્થો વગેરે પરિબળોનો સામનો કરવો પડે. વળી રોડ સાથેના ઘર્ષણથી તે ગરમ પણ થાય. સામાન્ય રબર આ વધુ સહન કરી શકે નહીં એટલે ટાયર બનાવવામાં રબર સાથે કાર્બન ઉમેરાય છે. તેથી તે વજનદાર અને સખત બને છે.
ટાયર એકલા રબરના નથી બનતા. તેની બંને તરફની કિનારી પર ધાતુના તાર મઢેલા હોય છે. જેથી તે વ્હીલ સાથે મજબુતાઈથી જકડાઈ રહે. ટાયર બેથી ત્રણ પડનાં બને છે. વચ્ચેના પડમાં મજબૂત દોરાની ગુંથણીવાળું પડ હોય છે. તે ટાયરને ફાટી જતું રોકે છે. રસ્તા ઉપર ટાયર લપસી ન પડે તે માટે તેની સપાટી પર ખાડા ટેકરાવાળી પેટર્ન હોય છે.
જુદા જુદા વાહનોમાં ટાયર પણ જુદી જુદી ક્ષમતાના વપરાય. ટ્રેક્ટર, ટ્રેક વગેરેના ટાયર અતિશય મજબૂત અને વજનદાર બનાવવા પડે. ૫૦૦ કિલોગ્રામ કરતાંય વધુ વજનના વાહનો ૩૦૦ કિલોમીટરની ઝડપે ચાલે તોય ટાયર અકબંધ રહે તેવા ટાયર પણ બને છે. ટાયર ઉપર તેની ક્ષમતાના આંકડા લખેલા હોય છે.

No comments:

Post a Comment