Sunday, March 9, 2014

પાન સીવીને રહેઠાણ બનાવતા મંકોડા વિવર એન્ટ

        પક્ષીઓમાં જેમ જાત જાતના માળા બનાવવાની કુદરતી કળા છે તે જ રીતે કેટલાંક નાનાં જીવડાંઓ પણ અદ્ભૂત કારીગરીનો ઉપયોગ કરીને રહેઠાણ બનાવે છે. ઉધઇ અંધ હોવા છતાંય અનેક ખંડો અને રસ્તાઓવાળા એરકન્ડીશન્ડ દર બનાવે છે.  કીડી મંકોડા પણ જમીનમાં ખોરાક સંગ્રહ કરવાના ખંડ સહિતના અનેક માર્ગી દર બનાવીને રહે છે. કીડી  અને મકોડાની હજારો જાત થાય છે. આફ્રિકા અને એશિયાના દેશોમાંં જોવા મળતાં વિવર એન્ટ નામના મંકોડા ઝાડ ઉપર રહે છે અને તે પણ પાંદડા સીવીને બનાવેલા ઘરમાં.  દક્ષિણ ભારતમાં પણ લાલ મંકોડાની આવી જાત જોવા મળે છે.
અદ્ભુત દરજી કામ કરતા આ મંકોડા તેની લાળમાંથી બનેલા દોરા વડે નજીકનજીકના બે પાનની ધાર સીવીને ગોળાકાર ટનેલ જેવું ઘર બનાવે છે. હજારો મંકોડા ભેગા થઇ લાંબી ટનેલ જેવા ધર બનાવે છે. તેમની માળા બનાવવાની રીત પણ અનોખી છે. મંકોડી  રાણી એક પાન ઉપર ઇંડા મૂકે છે. તેમાંથી સંખ્યાબંધ લારવા પેદા થાય છે. આ બધા કામદાર મંકોડા બને છે. આ મંકોડા હરોળમાં ઊભા રહી પાનને ખેંચીને નજીક લાવી તેની ધાર સાંધીને ભૂંગળા જેવું ઘર બનાવે છે જેમ જેમ વધુ મંકોડા પેદા થાય તેમ તેમ ઘર પણ મોટું થતું જાય.
તમે નહી માનો પણ થાઇલેન્ડમાં લોકો આ મંકોડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ મંકોડાની બનેલી વાનગી મોંઘી પણ લોકપ્રિય હોય છે.



No comments:

Post a Comment