Saturday, September 20, 2014

બીજમાંથી છોડ કેવી રીતે બને છે?



    વનસ્પતિનો જન્મ બીજમાંથી થાય છે. દરેક ફળ કે શાકભાજીને કાપીને જુઓ તો અંદર નાનાં નાનાં બીજ જોવા મળે છે. મોટાભાગનાં ફળોમાં અસંખ્ય બીજ હોય છે તેને ઠળિયો પણ કહે છે. બીજ ઉપર સખત આવરણ હોય છે.બીજમાંથી વનસ્પતિનો છોડ પેદા કરવા માટે બીજને જમીનમાં દાટીને પાણી પાવું પડે. આપણી જરૃરી ખાદ્ય વનસ્પતિને આપણે જમીનમાં વાવીને પાક મેળવીએ છીએ પરંતુ જંગલમાં આડેધડ ઊગતી વનસ્પતિ ફળમાંથી નીકળતા બીજ ક્યારેક હવામાં ઊડીને, પાણીમાં તરીને  કે પ્રાણી- પક્ષીઓ દ્વારા દૂર સુધી પહોંચે છે. અસંખ્ય બીજમાંથી કેટલાંક બીજ આપમેળે જમીન પર પડે છે અને વરસાદ પડે ત્યારે તેમાંથી છોડ ઉત્પન્ન થાય છે.બીજ ઉપર સખત કવચ બનેલું હોય છે એટલે તે લાંબો સમય સચવાય છે. ઘણાં વૃક્ષોનાં બીજ તો પાંચ કે દશ વર્ષ પછી પણ જમીનમાં વાવો તો છોડ પેદા થાય છે. આટલું સખત કવચ તોડીને તેમાંથી અંકુર સખત  જમીન કે ખડકો વચ્ચે પણ જગ્યા કરીને જમીન પર કેવી રીતે બહાર આવીને મોટો છોડ બને છે તે કુદરતની કમાલ છે.બીજની અંદર ખાસ પ્રકારનું પ્રોટીન હોય છે. પાણી અને જમીનની ગરમીથી બીજ ઉપરનું આવરણ નરમ થઈ તૂટી જાય છે અને તેમાંના પ્રોટીનમાં રહેલા મૂળ જેવા તંતુઓ જમીનમાં ફેલાય છે. આ તંતુઓ દ્વારા પાણી અને ખોરાક મેળવી અંકુર મોટો થાય છે. લીલા રંગના અંકુર   જમીનની બહાર આવીને સૂર્યપ્રકાશમાં પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક બનાવવામાં લાગી જાય છે અને છોડ તરીકે વિકાસ પામે છે.

No comments:

Post a Comment