Saturday, September 20, 2014

સૌથી શક્તિશાળી જીવ : કીડી

કીડી- મકોડા જેવા જંતુઓ આપણને દરરોજ જોવા મળે. આવા જંતુઓનું અવલોકન કરવાથી આપણને ઘણું જાણવા મળે. ચપટીમાં ચોળાઇ જાય તેવી કીડી એ જગતનો સૌથી શક્તિશાળી જીવ છે તે પોતાના શરીર કરતાં ૨૦ ગણું વજન સહેલાઇથી ઊંચકીને ચાલી શકે છે. કોઇ  પણ પ્રાણી પોતાના શરીર કરતા બમણાથી વધુ વજન ઊંચકી શકે નહીં. કીડી પર્યાવરણ માટે પણ જરૃરી અને ઉપયોગી જીવ છે. પૃથ્વી પર સૌથી વધુ જોવા મળતો જીવ કીડી છે અને તે પણ લગભગ ૧૪૦૦૦ જાતનો. મોટા ભાગની કીડી ૩થી ૪ મીલીમીટર લંબાઇની હોય છે.
કીડીનું શરીર ત્રણ ભાગમાં માથું, પેટ અને પેઢુમાં વહેંચાયેલું છે. કીડીના માથામાં ચટકી ભરવા માટે બે અંકોડાવાળુ જડબું અને આંખો હોય છે. કીડીની આંખ આપણને માંડ માંડ દેખાય તેવડી ઝીણી હોય છે. પરંતુ તેમાં ૧૦૦૦ લેન્સ હોય છે. તે નજીકની વસ્તુઓ સારી રીતે જોઇ શકે છે.
કીડીના માથામાં એન્ટેના જેવા બે વાળ હોય છે. આ વાળની મદદથી તે ગંધ, સ્પર્શ અને સ્વાદ પારખે છે. કીડીના બંને પડખે ત્રણ ત્રણ એમ છ પગ હોય છે. તેને પંજા પણ હોય છે પરંતુ આ બધું માઇક્રોસ્કોપ વડે જોઇ શકાય.
કીડી હોશિયાર, પરિશ્રમી અને શિસ્તબધ્ધ જીવ છેં તે કતારમાં જ ચાલે છે. કીડી જ્યાંથી પસાર થાય ત્યાં ખાસ પ્રકારની ગંધવાળો પાવડર છાંટતી જાય છે આ ગંધથી બીજી કીડીઓ તેની પાછળ જ ચાલે છે અને આ ગંધને પગલે વળતી વખતે પોતાનું ઘર શોધી લે છે.
કીડી જમીનમાં દર બનાવીને રહે છે. દરમાં વિવિધ ખંડો અને રસ્તાઓ હોય છે. દરમાં એક રાણી કીડી હોય છે તે માત્ર ઇંડાં મૂકવાનું કામ કરે છે. બાકીની મજૂર કીડીઓ ખોરાક એકઠો કરવાનું કામ કરે છે.

No comments:

Post a Comment