Thursday, February 27, 2014

ઊર્જાનો સંચય કરતાં ફ્લાયવ્હિલ

વાહનો ચાલે ત્યારે તેના પૈડાં ફરે છે. પણ વિજ્ઞાાની તેને પૈડામાં ગતિ શક્તિ છે તેમ કહે છે. કોઈપણ ચક્ર જેમ કે ભમરડો, કુંભારનો ચાકડો કે હાથ વડે ફેરવાતી ચકરડીમાં આપણે બળ પૂરીએ ત્યારે તે શક્તિ ખતમ થાય ત્યાં સુધી ફર્યા કરે છે. વાહનોના વ્હીલને બ્રેક મારીએ ત્યારે તેની શક્તિ બ્રેકમાં આવી જાય છે અને બ્રેક ગરમ થાય છે. આમ ગતિશક્તિનું રૃપાંતર થઈને નાશ પામે છે. વિજ્ઞાાનીઓએ આ ગતિશક્તિને સાચવીને ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય તેવું સાધન બનાવ્યું છે. તેને ફ્લાય વ્હિલ કહે છે. ફ્લાય વ્હિલ સાદું ચક્ર છે પરંતુ ખૂબજ ભારે. ભારે ચક્રને ફેરવવા માટે વધુ શક્તિ જોઈએ તે જ રીતે ભારે વસ્તુ ફરતી હોય તેને અટકાવવા માટે પણ વધુ શક્તિ જોઈએ. રેલવેના લોખંડના ભારે પૈડાંને ફરતાં અટકાવવા વધુ શક્તિશાળી બ્રેક જોઈએ.
ફ્લાય વ્હિલ કાર્બન ફાઈબરના વજનદાર ચક્ર છે તેના પર સ્ટીલની રીંગ ચઢાવેલી હોય છે. ચક્ર ફરે ત્યારે તેની વધુમાં વધુ ગતિશક્તિ ચક્રના વજનદાર હિસ્સામાં વધુ હોય છે. હળવા સ્પોક સાથે જોડાયેલાં ભારે ધારવાળા વ્હિલ વધુ સમય સુધી ફર્યા કરે છે. ક્રેનથી વજન જેટલું દૂર તેટલી ગતિ વધુ. તમે ફૂદરડી ફરો ત્યારે હાથ પહોળા કરો તો સરળ પડે કેમકે શરીરનું વજન વધુ પરિઘમાં ફેલાય છે.
નાસાએ વિકસાવેલું ફ્લાયવ્હિલ કઈ રીતે ઉપયોગી થાય છે તે પણ જાણવા જેવું છે. વાહનના એંજિન અને પૈડાં વચ્ચે જોડવામાં  આવે છે. વાહનનું એંજિન પિસ્ટનના ધક્કાથી ચાલે છે. પિસ્ટન આઘોપાછો થાય તે પ્રમાણે તેની શક્તિમાં વધઘટ થયા કરે. એટલે જ વાહનના એંજિનને ઝટકા લાગે છે. એંજિનમાંની શક્તિ ફ્લાય વ્હિલમાં જાય તો ફ્લાય વ્હિલ આ શક્તિને નિરંતર રૃપે ગ્રહણ કરે છે. એટલે વાહન ઝાટકા વિના સરળતાથી ચાલે છે. બે ઝાટકા વચ્ચે વ્હીલમાં સંગ્રહાયેલી શક્તિ ઉપયોગી થાય છે. ફ્લાય વ્હિલ બ્રેકનું કામ પણ કરે છે પરંતુ તે વ્હિલમાંથી શક્તિ લેતું નથી. એંજિનની શક્તિને વ્હિલ તરફ જતી રોકે છે અને તેને સાચવી રાખે છે. ફ્લાય વ્હિલ એંજિન બંધ પડે તોય ભારે હોવાથી થોડીવાર ફરતું રહે છે. પરિણામે એટલે ક્યારેક થોડી મિનિટો માટે પૈડાંને પણ ફરતાં રાખી શકે છે. તમે સાયકલને ઝડપથી ગતિ આપ્યા બાદ થોડી પેડલ ન મારો તો પણ ગતિમાં રહી શકે છે. તે રીતે ફ્લાય વ્હિલ વજનદાર હોવાથી વધુ સમય ગતિમાં રહી શકે છે.

No comments:

Post a Comment